વેટિકનઃ ઇતિહાસના પહેલા અમેરિકન પોપ, પોપ લીઓ-14એ રવિવારે સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે તેમના ઉદઘાટન સમારોહ દરમિયાન એકતા અને શાંતિ માટે હાકલ કરી હતી. તેમના સત્તાવાર પોન્ટિફિકેટ શરૂ કરવાની વિધિને જોવા 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ, વિશ્વના અનેક દેશોના નેતાઓ અને પાદરીઓ હાજર રહ્યા હતા. પોપે કહ્યું કે, હું ઇચ્છું છું કે આપણી પહેલી ઇચ્છા એક સંયુક્ત ચર્ચની હોય, જે એકતા અને સંવાદનું પ્રતીક બને. શિકાગોમાં જન્મેલા 69 વર્ષીય પોપે વિખવાદ, નફરત, હિંસા, પૂર્વગ્રહ, ભેદભાવ અને આર્થિક શોષણ અટકાવવા માટે શ્રદ્ધાળુઓને આગળ આવવા કહ્યું હતું. આ પ્રસંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી અને તેમનાં પત્ની, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, તેમનાં પત્ની ઉષા, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો, સ્પેનનાં રાજા-રાણી, દુબઈ એમિરાતના અધિકારીઓ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.